સલાયાનું ફૈઝે ગોસ મોયુદીન નામનું વહાણ દુબઈ બંદરે અકસ્માતે સળગી ગયું,ખલાસીનો આબાદ બચાવ.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રહેતાં ભાયા પરિવારનું 818 ટનની ક્ષમતાવાળુ વહાણ દુબઇ જેટી ઉપર લાંગરેલું હતું અને માલસામાન ભરીને બુધવારે સવારે નિકળવાનું હતું. પરંતુ, તે પૂર્વે જ મંગળવારે સાંજે અકસ્માતે આ વહાણમાં આગ લાગી હતી અને સદનસીબે 14 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં.

આ અંગેની વિગત મુજબ, સલાયાના સલીમ હાજી ભાયા પરિવારનું વહાણ ‘ફૈઝે ગોસ મોયુદ્દીન’ જેના રજીસ્ટ્રેશન નંબર બીડીઆઇ-1445 અને 818 ટનની ક્ષમતા વાળુ વહાણ દુબઇ જેટી ઉપર લોડ થયેલ હતું. જેમાં માલ સામાન ભર્યો હતો. આ વહાણ આજરોજ નિકળવાનું હતું પણ અકસ્માતે મંગળવારે સાંજે વહાણમાં આગ લાગતા જેટી ઉપર અન્ય વહાણ હોઇ અને ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવા ભરપુર પ્રયત્ન કરતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ વહાણમાં 14 જેટલા ખલાસી હતાં જેનો બચાવ થયેલ હતો. વહાણમાં આગ લાગવાથી કેટલાનું નુકસાન થયું છે ? તેનો અંદાજ લગાવી શકાયો નથી. દુ:ખદ બાબત એ છે કે, આ જ પરિવારનું એક વહાણ થોડા દિવસો પહેલાં સળગી ગયેલ હતું અને હવે બીજું વહાણ સળગ્યું હોવાથી વહાણવટી ભાઈઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી.

Post a Comment

0 Comments