જિલ્લામાં 5 થી 19 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા નું આયોજન

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતનાં દરેક જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં તા.5 થી 19 જુલાઇ 2022 સુધી યોજાનારા આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના 15 દિવસ દરમિયાન ત્રણ રથ પૈકી એક રથ મહાનગર પાલિકા વિસ્તારમાં તેમજ બે રથ તાલુકાના વિસ્તારોમાં ભ્રમણ કરશે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક પૈકી બેઠક દીઠ બે-બે ગામોએ તા.5 જુલાઈથી સવારે 9.30 થી 11.30 અને સાંજે 4.30 થી 6.30 દરમિયાન વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા મંજૂર થયેલ કામોની જાહેરાત, કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય,કીટ, પ્રમાણપત્ર વિતરણ, સાફલ્યગાથા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ બપોરે 1 થી 4ના સમયે દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્માન ભારત,પી. એમ. જે. વાય અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, કેવાયસી દ્વારા અપડેટેશન તથા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં નિવાસી અધિક નિવાસી કલેકટર મીતેશ પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન રાઠોડ, સર્વે પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના તેમજ સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments