હની ટ્રેપ કેસમાં ધરપકડ કરાયેલ મહિલા PI ગીતા પઠાણે આપઘાતનો પ્રયાસ કર્યો..


અમદાવાદ: હનીટ્રેપમાં ફસાવીને વેપારીઓ પાસેથી રૂપિયા ખંખેરતી ગેંગ સાથે સાંઠગાંઠના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ મહિલા પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીતા પઠાણે ગઈકાલે મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં રહેલુ સેનેટાઈઝર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની હાલત સ્થિર જણાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેપારીઓને હનીટ્રેપમાં ફસાવનારી એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપિન પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાજપૂત, જાનવી ઉર્ફ જીનલ પઢિયાર સામેલ હતા. આ લોકોની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આ કાંડમાં અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના PI ગીતા પઠાણની સાંઠગાંઠ સામે આવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુરુવારે રાજકોટથી ગીતા પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ગીતા પઠાણની ભૂતકાળમાં પણ લાંચ લેવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસનું કહેવું છે કે, ગીતા પઠાણ દ્વારા હનીટ્રેપમાં ફસાયેલા વેપારીઓને બોલાવીને સમાધાનના નામે તોડ કરવામાં આવતો હતો. વેપારીઓને ધમકી આપવામાં આવતી હતી કે, જો સમાધાન નહીં કરે, તો બળાત્કાર કે પોક્સો એક્ટમાં ફસાવી દેવામાં આવશે.

Post a Comment

0 Comments