•માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી
•દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારોને પાછા બોલાવવામાં આવ્યા
•ગુજરાતના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું
રાજયમાં વાવાઝોડાની આગાહી વચ્ચે આજે અમરેલીના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ધારી તાલુકાના સુખપુર ગામમાં પણ વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ધરતી પુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. સુખપુર, ગોવિંદપુર, સહિતના અન્ય ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લામાં જોરદાર પવન સાથે ધુળની ડમરી ઉડી રહી છે. રાજકોટ કાલાવડ રોડ વાજડી વડ ગામ પાસે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. બેડી, હડમતીયા, ગવરીદળ પંથકમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. જો વરસાદ પડે તો ખેડુતોના ઉનાળુ પાકમાં નુકશાન થઈ શકે છે.
અમરેલી જીલ્લાના ધારી ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધારી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. કેસર કેરી સહિતના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાની આગાહીને પોરબંદરમાં તંત્ર સજ્જ બન્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. જયારે દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારોને હાલ પરત આવી જવા માટેની સૂચના અપવામાં આવી છે. ગતરોજ આ વાવાઝોડાને લઈ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી હતી. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીના પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકિદ કરી છે.
0 Comments