કોરોના મહામારી વચ્ચે લોહિયાળ યુદ્ધ, ઈઝરાયલે ગાઝા બોર્ડર પર ખડક્યા 9000 સૈનિક..

કોરોના મહામારી વચ્ચે ઈઝરાયેલે લોહિયાળ યુદ્ધ શરૂ કરીને અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જણાવી દઈએ કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં હવે ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં પોતાના સૈનિકો મોકલવાની જાહેરાત કરી છે. જેના કારણે આ સંઘર્ષ વધારે ઉગ્ર બને તેવા સંકેત મળી રહ્યાં છે.

ઈઝરાયેલે પોતાના 9000 સૈનિકોને સંભવિત જમીની આક્રમણ માટે તૈયાર રહેવા કહ્યુ છે. જો ઈઝરાયેલના સૈનિકોએ ગાઝામાં બોર્ડર ઓળંગીને કાર્યવાહી કરી તો પરિસ્થિતિ વધારે વિસ્ફોટક પણ બની શકે છે.

ઈજિપ્ત દ્વારા હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ઘર્ષણમાં યુદ્ધ વિરામ કરાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ સામે આવી રહ્યું નથી. બીજી તરફ ઈઝરાયેલમાં આરબો અને યહૂદીઓ વચ્ચે છેલ્લા ચાર દિવસથી કોમી હિંસા પણ ફાટી નીકળી છે. લોડ શહેરમાં ઠેર ઠેર જૂથ અથડામણો થયા છે અને પોલીસ દળની સંખ્યા વધાર્યા છતાં પણ અહીં હિંસા ચાલું રહી હતી.

ગઈકાલે રાતે ઈઝરાયેલ પર લેબેનોનોમાંથી પણ રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. આમ હવે ઈઝરાયેલ સામે લેબેનોન બોર્ડર પર બીજો મોરચો ખુલે તેવો ભય પણ ઉભો થયો છે. હમાસના વરિષ્ઠ લીડર સાલેહ અરુરીએ લંડન સ્થિતિ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ઈજિપ્ત, કતાર અને યુએન દ્વારા સંઘર્ષ વિરામ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે વાતચીત આગળ વધારવા માટે ત્રણ કલાક આ સંઘર્ષ પર રોક લગાવવા અપીલ કરી હતી પણ અમે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હમાસને બહુ મોટી કિંમત ચુકવવી પડશે અને અમે આ કિંમત વસુલ કરી રહ્યા છીએ અને કરતા રહીશું.

જણાવી દઈએ કે, હમાસ અને ઈઝરાયલની શક્તિઓ વચ્ચે જમીન-આકાશ જેટલો તફાવત છે. ઈઝરાયેલ એક સુપર પાવર દેશ છે, જ્યારે હમાસ પાસે સીમિત શક્તિઓ છે.

Post a Comment

0 Comments