કોરોના સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, રાજ્યમાં 15 દિવસ લગ્નપ્રસંગ પર રોકની માંગ.


અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરૂચની હોસ્પિટલમાં આગ, ફાયર સેફ્ટી તેમજ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવવા માટે સુનાવણી હાથ ધરાઈ હતી.

                ફાયર સેફ્ટી પર સુનાવણી

ગુજરાત હાઈકોર્ટમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુનાવણી દરમિયાન એડવોકેટ અમિત પંચાલે રિપોર્ટ પબ્લીશ ના કરવા પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે અમિત પંચાલે કહ્યું હતું કે, કોઈ પણ હોસ્પિટલ ફાયર સેફ્ટી વિના શરૂ ના થવી જોઈએ. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે કે કેમ? તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની ફરજમાં આવે છે.

હોસ્પિટલના સંચાલકો પણ જાણતા હતા કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નથી. લોકલ બોડી કંઈ રીતે આવી હોસ્પિટલને મંજૂરી આપી શકે? જેમાં તેણે પોતે લાગુ કરેલા નિયમોનું ભંગ થતો હોય. હોસ્પિટલમાં આગની આ સાતમી ઘટના છે. તાજેતરમાં સુરતમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. જો કે સદ્દનસીબે કોઈનો જીવ નહતો ગયો. આ માટે કોઈએ તો જવાબદારી લેવી જ જોઈએ.

જેના જવાબમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, વાત ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગના સંદર્ભમાં છે, તો તેની તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘટના પાછળ કોણ જવાબદાર છે?

જો કે કોર્ટ સરકારની રજૂઆતોથી ખુશ ના હોય તેમ ટકોર કરતા જણાવ્યું કે, તમે કાયમ પેપર રજૂ કરો છો. બધી બાબતો માત્ર કાગળ પર જ છે. અમે એટલું જાણવા માંગીએ છીએ કે, આજ સુધી રાજ્ય સરકારે આવા બનાવો ના બને તે માટે કેવા પગલા લીધા? આ સાથે જ કોર્ટે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ મામલે 25મીં મે સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા સરકારને સૂચન કર્યું છે.

રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના મુદ્દે થયેલી સુનાવણીમાં એડવોકેટ શાલિન મેહતાએ સરકારને અપીલ કરતા જણાવ્યું કે, લગ્ન અને ધાર્મિક સમારોહ જેવા કાર્યક્રમો આગામી 15 દિવસ માટે બંધ કરી દેવા જોઈએ. હાલના સમયમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ લગ્ન સમારોહ અને ધાર્મિક મેળાવડામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સંક્રમણનો ખતરો રહે છે. આથી આ બંધ થવું જોઈએ.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, લગ્ન સમારંભમાં આવતા લોકોની સંખ્યા ઘટાવા સંદર્ભે સરકાર વિચાર કરશે.

જણાવી દઈએ કે, ગુજરાત સરકારે હાઈકોર્ટ સમક્ષ 56 પેજનું સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં સરકાર તરફથી રાજ્યમાં RT-PCR ટેસ્ટિંગમાં વધારો કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સિવયા રાજ્યભરમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો તેમજ રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો કે કોર્ટમાં વકીલોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સુનાવણીની આગલી રાત્રે સોગંધનામું રજૂ કરતી હોવાથી તેનો અભ્યાસ કરવાનો સમય ઓછો મળે છે. જેથી આજની સુનાવણી સમાપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ કોર્ટ દ્વારા સરકારને સુનાવણીના 24 કલાક પહેલા સોગંદનામું રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની આગામી સુનાવણી 17મી મે ના રોજ હાથ ધરવામાં આવશે.


Post a Comment

0 Comments