•175 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને દર્દીઓની સેવામાં મૂકી દીધી
•રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર: રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અનેક સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 348 સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય રાજ્યમંત્રી કિશોરકુમાર કાનાણીએ જણાવ્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર આપવા માટે કટિબદ્ધ છે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સામે જીત મેળવવા તથા કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ દરરોજ કોર ગ્રુપ કમિટીની બેઠક મળે છે જેમાં આરોગ્યહિતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ સુધીમાં એટલે કે કોરોનાની પ્રથમ લહેરમાં 150 મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી જે આજે બીજી લહેરમાં 1150મેટ્રીક ટન સુધી પહોંચી છે. રાજ્ય સરકારે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સમયસર ઓક્સિજન પહોંચાડવા સંપૂર્ણ પ્રયત્નો કર્યા છે અને સરકાર તેમાં સફળ પણ થઇ છે. હજુ કોરોનાની ત્રીજી લહેર આવશે તેવું નિષ્ણાંતોનું માનવુ છે ત્યારે રાજ્ય સરકારે તે પરિસ્થિતિને પણ પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મંત્રી કાનાણીએ વધુમાં ઉમેર્યું કે, દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે 108 એમ્બ્યુલેન્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે વધુ 175 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને દર્દીઓની સેવામાં મૂકી દીધી છે. એટલું જ નહી માત્ર એક મહિનામાં 7 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન પણ પૂરા પાડી રાજ્ય સરકારે આ મહામારીમાં કોઇ દર્દીને અસુવિધાનો સામનો ન કરવો પડે તે મુજબનું આયોજન કરી અનેકવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી છે.
0 Comments