જામનગરની અદાલતમાં હાજર થયા ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષી!
સ્થાનિક ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી 1 કરોડ ઉછીના લઈ પરત ન કરવાના પ્રકરણમાં 2 વર્ષની સજા પડયા બાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા શરતી જામીન આપ્યા..
બોલિવૂડમાં ઘાયલ, ઘાતક અને દામિની જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને રૂપિયા 10-10 લાખના કુલ 11 ચેક રિટર્ન કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા અને ચેકની રકમથી બમણો એટલે કે 2.20 કરોડનો દંડ ફટકાર્યો હતો. જેની સામે રાજકુમાર સંતોષીએ જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરતા કોર્ટ દ્વારા આજે રાજકુમાર સંતોષીને 5000ના શરતી જામીન આપ્યા હતા. સાથે દંડની 20 ટકા રકમ જમા કરાવવા પણ આદેશ કર્યો હતો. કોર્ટની પરવાનગી વગર ભારત ન છોડવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી 19 એપ્રિલે થશે.
શું છે પ્રકરણ ?
બોલિવૂડમાં ઘાયલ, ઘાતક, દામિની જેવી હિટ ફિલ્મો બનાવનાર ફિલ્મ-ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ફિલ્મ નિર્માણ માટે રૂપિયાની જરૂર હોઈ, મિત્રતાના નાતે જામનગરના ઉદ્યોગપતિ અશોક લાલ દ્વારા રૂપિયા એક કરોડ વીસ લાખ સંબંધના દાવે હાથ ઉછીના આપ્યા હતા, જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ દસ-દસ લાખ રૂપિયાના 12 ચેક આપેલા હતા, જે ચેક નક્કી કરેલી સમયમર્યાદામાં ફરિયાદીએ બેંકમાં ડિપોઝિટ કરતાં તમામ ચેક ફંડસ ઇન્ક્વિઝિશનના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ પોતાના વકીલ પીયૂષ વી. ભોજાણી દ્વારા ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મજબ તથા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ આઈ.પી.સી. 408 તથા 420 મુજબ લીગલ નોટિસ ફટકારેલી હતી. તેમ છતાં આરોપી દ્વારા કોઈ રકમ ચૂકવવામાં ન આવતા ના છૂટકે ફરિયાદીએ પોતાના કુલમુખત્યાર દ્વારા જામનગરની કોર્ટમાં સને 2017ની સાલમાં આરોપી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.લાંબી સુનાવણી બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સમગ્ર પુરાવાઓનુ મૂલ્યાંકન કરી જામનગરના નામદાર સિનિયર સિવિલ જજ વી.જે. ગઢવીએ ફિલ્મ-દિગ્દર્શક રાજકુમાર સંતોષીને લાંબા કાનૂની જંગ બાદ 10-10 લાખના કુલ 1.10 કરોડના ચેક રિટર્ન કેસમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુનો સબબ બે વર્ષની સાદી કેદની સજા તથા આરોપીને વાદગ્રસ્ત ચેકની રકમથી બમણો રૂપિયા 2.20 કરોડનો દંડ ફરિયાદીને વળતર પેટે તાત્કાલિક ચૂકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. જ્યારે 10 લાખ રૂપિયાના એક ચેકનો હજી પણ પેન્ડિંગ હોવાનું ફરિયાદીના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાજકુમાર સંતોષીને સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા
જામનગરના ઉદ્યોગપતિ દ્વારા 10-10 લાખના 12 ચેક રિટર્ન થતા ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષી સામે ચેકરિટર્ન કેસની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં 10-10 લાખના 11 કેસમાં રાજકુમારને જામનગરની નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાદ રાજકુમાર સંતોષી દ્વારા જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરતા કોર્ટે આજે 5000ના શરતી જામીન આપ્યા હતા. સાથે 10-10 લાખના 11 ચેક રિટર્ન કેસમાં 20 ટકા એટલે કે 22 લાખ રૂપિયા ભરવા માટે પણ હુકમ કર્યો હતો. કોર્ટની પરવાનગી વગર રાજકુમારને ભારત ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી 19 એપ્રિલે યોજાશે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments