• 2002માં મુળુભાઈએ વિક્રમ માડમને હરાવ્યા
• સિમાંકન પૂર્વે ભાણવડની બેઠક પર જીતીને કેશુભાઈ અને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે : ભાજપે પીઢ નેતાને ફરી મેદાનમાં ઉતાર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર એક તરફ કોંગ્રેસે જુનાજોગી અને વર્તમાન ધારાસભ્ય વિક્રમભાઇ માડમને ટિકીટ આપી છે ત્યારે બીજી તરફ ભાજપે હાલારની સાત વિધાનસભાની બેઠક પૈકી એક માત્ર બાકી રહેલ ખંભાળિયા બેઠક ઉપર અગાઉ ચાર ટર્મ ધારાસભ્ય તરીકે રહેલા અને બે વખત રાજયનું પ્રધાનપદ મેળવનાર જુનાજોગી એવા મુળુભાઇ બેરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચ્હેરા તરીકે જાહેર થયેલા ઇશુદાનભાઇ ગઢવીના ચૂંટણી લડવાના ગઇકાલથી શરૂ થયેલા અહેવાલો બાદ હજુ આ અંગે પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતા દ્વારકા જિલ્લાના રાજકારણમાં આમ આદમી પાર્ટીની રણનીતિ અંગે ભેદ અકબંધ રહ્યો છે.
હાલારની સાત વિધાનસભા બેઠકો જામનગર લોકસભા મતક્ષેત્રમાં આવે છે. જેમાં જામનગર જિલ્લામાં પાંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પાંચ બેઠકોના ઉમેદવારની પસંદગીની જાહેરાત કરી હતી. જયારે દ્વારકા જિલ્લાની બન્ને બેઠક અંગે ભાજપ અને આમ આદમી પાર્ટીની રાહ જોવાતી હતી અથવા સ્થાનિક કક્ષાએ આંતરીક વિરોધ પણ હતો. પરંતુ ખંભાળિયાની બેઠક ઉપર કોઇ વિવાદ ન હોવાથી કોંગ્રેસે બે વખત સાંસદ રહી ચુકેલા (2004થી 2014) અને બે વખત ધારાસભ્ય રહી ચુકેલા વિક્રમભાઇ માડમને રિપિટ કર્યા છે. પરંતુ દ્વારકાના બેઠકના ઉમેદવારની સત્તાવાર જાહેરાત આજ સવાર સુધી કરી નથી.
આ બેઠક ઉપર પ્રદેશ અગ્રણી ભિખુભાઇ વારોતરીયા અને અગાઉ દ્વારકાની બેઠક ઉપરથી લડીને 5,700 મતે પરાજીત થયેલા મુળુભાઇ કંડોરીયા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. મુળુભાઇને ટિકીટ મળી હોવાના અહેવાલોને પક્ષે હજુ કોઇ સમર્થન આપ્યું નથી. પરિણામે દ્વારકા બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ‘પહેલે આપ’ જેવી સ્થિતિ જોવા મળે છે. એક નજીવી શકયતા એવી પણ દેખાય છે કે, ઇશુદાન ગઢવી છેલ્લી ઘડીએ ખંભાળિયા બેઠક ઉપર ચૂંટણી લડી શકે છે.
ખંભાળિયાની બેઠક ઉપરથી કોને ટિકીટ આપવી તે અંગે ભાજપમાં મોડી રાત સુધી અટકળોનો દોર ચાલ્યો હતો. આ બેઠક માટે અગાઉ ભાજપ સરકારમાં ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા અને બે વખત મંત્રી રહી ચુકેલા મુળુભાઇ બેરા હોટ ફેવરીટ હતા જો હાલારની એક બેઠક સતવારા સમાજને આપવાની થાય તો હરીભાઇ નકુમનું નામ આગળ હતું જયારે ત્રીજા મુખ્ય હરીફ તરીકે જામનગર શહેર ભાજપના મહામંત્રી અને સ્ટેન્ડીંગ કમિટિના ભૂતપૂર્વ ચેરમેન મેરામણભાઇ ભાટુનું નામ હતું. જો કે, તેમની સામે ખંભાળિયા પંથકના ભાજપ સંગઠ્ઠનમાં ઘણો આંતરીક વિરોધ હતો અને તેમને આયાતી ગણાવાતા હતા.
આ સ્થિતિમાં ભાજપે મુળુભાઇ બેરા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેઓ કેશુભાઇ પટેલ અને બાદમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં મંત્રી હતા. સૌરાષ્ટ્રના આહીર સમાજના આગેવાનોમાં તેઓ મોદીના માનીતા ગણવામાં આવે છે. આથી તેમને ટિકીટ મળશે તેવી કાર્યકરો, સામાન્ય નાગરિકો અને મીડિયાની અટકળો અને માન્યતા સાચી પડી છે.
આ સ્થિતિમાં ભાજપે મુળુભાઇ બેરા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેઓ કેશુભાઇ પટેલ અને બાદમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં મંત્રી હતા. સૌરાષ્ટ્રના આહીર સમાજના આગેવાનોમાં તેઓ મોદીના માનીતા ગણવામાં આવે છે. આથી તેમને ટિકીટ મળશે તેવી કાર્યકરો, સામાન્ય નાગરિકો અને મીડિયાની અટકળો અને માન્યતા સાચી પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુળુભાઇ 2002માં ભાણવડની બેઠક ઉપરથી કોંગ્રેસના વિક્રમભાઇ માડમ સામે જીત્યા હતા પરંતુ 2007માં તેની સામે જ હાર્યા હતા. આ પછી 2012માં જામનગર ઉત્તરની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હકુભા જાડેજા સામે 10 હજાર મતે હાર્યા હતા ત્યારે તેઓ જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ હતા પરંતુ જામનગર શહેર ભાજપના તે વખતના જુથવાદના કારણે આયાતી તરીકેના આંતરીક પ્રચારના લીધે તેઓ ચૂંટણી હાર્યા હતા. એમ કહેવાય છે કે, શહેર સંગઠ્ઠનના 70 ટકા આગેવાનો અને અન્ય નેતાઓ પડદા પાછળ મુળુભાઇને હરાવવામાં સામેલ હતા.
મુળુભાઇ બેરાના નામની આજે ભાજપ દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખંભાળિયાની આ બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમને ટિકીટ મળશે તેવી વાતોનો છેદ ઉડયો છે.
0 Comments