જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાંથી હર્બલ પ્રોડક્ટ ના ઓઠા તળે કેફી પીણું બનાવતી મીની ફેક્ટરી પકડી પાડવામાં આવી છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે ફેક્ટરી માંથી રૂપિયા ૩.૮૪ લાખ થી વધુની જુદી જુદી સામગ્રી કબજે કરી લઈ ત્રણ શખ્સોની અટકાયત કરી છે, અને તેઓ સામે પૂર્વ આયોજિત કાવતરું અને માનવ વધ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેથી ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામની સીમમાં આવેલી મછલીવડ ના દિલીપસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા ની માલિકીની જગ્યામાં મીની ફેક્ટરી ઊભી કરીને તેમાં હર્બલ પ્રોડક્ટસ ના બહાને કેટલૂંક નશાકારક પીણું બનાવવામાં આવી રહ્યું છે, તેવી માહિતી કાલાવડ ગ્રામ્ય પોલીસને મળી હતી.
જેના અનુસંધાને ગઈકાલે મોડી સાંજે કાલાવડ ગ્રામ્ય ના પી.એસ.આઇ. એચ.વી. પટેલ અને તેમની ટીમેં ઉપરોક્ત ફેક્ટરી પર દરોડા પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ફેક્ટરીમાં હાજર રહેલા જુદા જુદા ત્રણ જેટલા સંચાલકો દ્વારા હર્બલ પ્રોડક્ટ ના ઓઠા હેઠળ માનવ સ્વાસ્થ્યને હાનિકારક શંકાસ્પદ પીણા નું વેચાણ કરવાના ઈરાદાથી ઉત્પાદન કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું હતું, અને હર્બલ પ્રોડક્ટ નું ઉત્પાદન કરવા માટેની જુદી જુદી કેટલીક સામગ્રી, કેમિકલ તેમજ વિશિષ્ટ પ્રકારની વાસ ધરાવતું કેટલુંક પ્રવાહી ઉપરાંત સુગંધિત પ્રવાહી ના બેરેલો અને કેરબાઓ પણ મળી આવ્યા હતા.
આથી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી, અને ફેક્ટરીમાં હર્બલ પ્રોડક્ટ ના પીણા ના ઉત્પાદનની જગ્યાએ કે કેફી પીણાથી મિશ્રિત પ્રવાહી તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને તેને લગતી અનેક પ્રકારની સામગ્રી પણ જોવા મળી હતી.
આથી પોલીસે ઉપરોક્ત મીની ફેક્ટરીમાંથી કુલ ૩,૮૪,૨૭૦ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
જે સમગ્ર મામલે પોલીસે જાતે ફરિયાદી બની ગેરકાયદે કેફી પીણાં નું ઉત્પાદન કરવા અંગે લક્ષ્મીપુર ગામની સીમના વતની કેતનભાઇ વિનોદભાઈ જટણીયા, ઉપરાંત જગ્યાના માલિક દિલીપસિંહ જાડેજા તેમજ ગોપાલભાઈ પાલાભાઈ પરમાર વગેરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે પૂર્વેયોજીત કાવતરું ઘડવા અંગેની કલમ ૨૨૦ (બી), ઉપરાંત આલ્કોહોલ જે એક પ્રકારનું ઝેર છે, જેનું સેવન કરવાથી માનવ મૃત્યુ થવું સંભવ છે. તેવું જાણતા હોવા છતાં તેને ભેળસેળ કરીને મનુષ્ય વધ કરવાની કોશિશ કરી હોવાથી તે અંગેની કલમ ૩૦૮ ઉપરાંત ૨૭૨,૨૭૩,૨૭૬, ૪૦૬,૪૮૨ તેમજ અન્ય જુદી-જુદી પ્રોહીબિશન ધારાની કલમ ૬૫-(એ)(બી.)(સી.),(ડી),(ઇ), (એફ),૮૧,૮૩ અને ૮૬ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ચાર જાગી છે.
0 Comments