જામનગરમાં એક મોબાઈલના શોરૂમમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર નોકર અને તેના પિતા ગિરફતાર

 

SATYA KA SAMNA NEWS

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક જાણીતા મોબાઈલના શોરૂમમાં કામ કરતા એક કર્મચારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ૨૫ લાખ જેવી માતબર રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાનું સામે આવતાં ચર્ચા જાગી છે. જે મામલે વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરાયા પછી પોલીસે ચીટીંગ કરનાર દુકાનના કર્મચારી અને તેના પિતાની અટકાયત કરી લીધી છે, અને ૯ નંગ મોબાઈલ ફોન કબજે કરી લીધા છે.

આ છેતરપિંડીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા યસ ઇલેક્ટ્રોનિક્સ નામના મોબાઈલના મોટા શોરૂમમાં કામ કરતા નૂરમામદ મોહમ્મદ સાજીદ રાજકોટિયા કે જે દુકાનમાં કામ કરતી વખતે તેમના માલિક પાસેથી વિશ્વાસ કેળવી લીધો હતો, અને મોબાઈલની એસેસરીઝની ખરીદી કરવા માટે દસ લાખ રૂપિયા લીધા હતા, જે એસેસરીઝ જમા કરાવી ન હતી, અને દસ લાખ રૂપિયા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.

ઉપરાંત દુકાનદારનો ભરોસો કેળવીને ૧૫ લાખ ૮૪ હજારની કિંમતના ૫૫ નંગ મોબાઈલ ફોન ગ્રાહકોને વેચી નાખ્યા હતા. જેની રકમ પેઢીમાં જમા કરાવવાને બદલે પોતાના પિતા અને ભાઈના ખાતાના જમા કરાવી દઈ કુલ ૨૫ લાખ ૮૪ હજારની છેતરપિંડી આચરી હતી.

જે અંગે વેપારી રાજુભાઈ ગોહિલને જાણકારી થઈ જતાં તેમણે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના જ નોકર સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ભોયે તેમજ પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર તથા તેમની ટીમે નૂરમામદ મહંમદ સાજીદ રાજકોટીયાની અટકાયત કરી લીધી હતી. ઉપરાંત આ કાર્યવાહીમાં મદદગારી કરનાર તેના પિતા મહંમદ સાજીદ ઓસમાણભાઈ રાજકોટીયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જે બંને પાસેથી ૯ નંગ મોબાઈલ ફોન  કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેના નાના ભાઈની પણ સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે સગીરવયનો હોવાથી સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત નોકર નૂરમામદ કે જે થોડા સમય પહેલાં મુંબઈ એરપોર્ટ પરથી પ્લેનમારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને જામનગર ના એરપોર્ટ પર ઉતર્યો હતો, અને જામનગરમાં ઘૂસવા જતાં એલસીબીના હાથે તેના અન્ય બે સાગ્રીતો સાથે પકડાઈ ગયો હતો.


દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments