રુપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા 68.80 લાખ કુટુંબોને અનાજનું વિતરણ કરાયું

રૂપાણી સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થતા આજે “સર્વને અન્ન, સર્વને પોષણ” અન્વયે અન્ન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના N.F.S.A. સમાવિષ્ટ 68.80 લાખ કુટુંબોની 3.36 કરોડ જનસંખ્યાને એપ્રિલથી નવેમ્બર-2020 સુધી સતત 8 મહિના દરમ્યાન તેઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત પ્રતિ વ્યક્તિ 3.5 કિ.ગ્રા. ઘઉં અને 1.5 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા અનાજ તથા પ્રતિ કુટુંબ 1 કિ.ગ્રા ચણાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. જેથી સદીની સૌથી મોટી કહેવાતી કોરોનાની મહામારી દરમિયાન પણ રાજ્યના નાગરિકોને બે ટંકનું ભોજન મળી રહ્યું હતું.


રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને તેમની પાત્રતા મુજબ અન્ન સલામતિ માટે રાહત દરે ઘઉં અને ચોખાનું દર માસે વિતરણ કરવામાં આવે છે. માર્ચ–2021ની સ્થિતિએ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી કુલ- 71.44 લાખ કુટુંબોના 346 લાખ નાગરિકોને NFSA હેઠળ આવરી લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ દિવ્યાંગ લાભાર્થીઓને અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલ વિધવા બહેનોને, શ્રમ અને રોજગાર વિભાગ હેઠળનાં બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને NFSA હેઠળ સમાવવાનો નિર્ણય પણ કર્યો છે. એટલુ જ નહિ, આ યોજના માટે વૃધ્ધ વ્યક્તિની પાત્રતાની ઉંમર 65 વર્ષથી ઘટાડીને 60 વર્ષ કરવામાં આવી છે.

કોરોનાનાં કપરાકાળમાં લોકડાઉન દરમિયાન રાજ્યનાં 80 ટકા નાગરિકોને વિના મૂલ્યે અનાજ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા COVID-19 મહામારીમાં લોકડાઉન દરમ્યાન ‘‘રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા’’ હેઠળ સમાવિષ્ટ 65.40 લાખ કુટુંબોની 3.21 કરોડ જનસંખ્યા તથા N.F.S.A. હેઠળ સમાવેશ થઇ શક્યા નહોતા તેવા 3.40 લાખ BPL કુટુંબોની 14.92 લાખ જનસંખ્યાને N.F.S.A. હેઠળ સમાવી કુલ 68.80 લાખ કુટુંબોની 3.36 કરોડ જનસંખ્યાને એપ્રિલથી જૂન માસ દરમ્યાન ઘઉં, ચોખા, ચણા દાળ, ખાંડ તથા મીઠાના “ફૂડ બાસ્કેટ”નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

લોકડાઉનના કપરા સમયમાં N.F.S.A. હેઠળ સમાવેશ થઇ શકેલ નથી તેવા 61.04 લાખ APL-1 કેટેગરીના મધ્યમવર્ગીય પરીવારોની 2.50 કરોડ જનસંખ્યાને સૌ પ્રથમવાર પ્રતિ કુટુંબ માસિક 10 કિ.ગ્રા. ઘઉં, 3 કિ.ગ્રા. ચોખા, 1 કિ.ગ્રા. ચણાદાળ તથા 1 કિ.ગ્રા. ખાંડના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તે સમયે રાજ્યના રેશનકાર્ડ વગરના, નિરાધાર, જરૂરિયાતમંદ લોકો, સંકટગ્રસ્ત, પરપ્રાંતિય મજુરોને રાજ્યની “અન્નબ્રહ્મ” યોજના હેઠળ સમાવેશ કરીને તથા યોજનાનો વ્યાપ વધારીને ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ તથા મીઠાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોરોના કાળ દરમ્યાન રાજય સરકાર દ્વારા 2 હજાર કરોડની બજાર કિંમતનું અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત COVID-19ની મહામારીની પરિસ્થિતિમાં રાજ્યના 68.80 લાખ NFSA કાર્ડ ધારકો તથા 6.38 લાખ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને રૂ.1 હજારની નાણાંકીય સહાય મળી કુલ રૂ.650 કરોડનાં ખર્ચે DBT દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી.

આજે પ્રધાનમંત્રીએ રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ 5 કિલો અનાજની કિટનું વિતરણ કર્યું હતું. તે ઉપરાંત દાહોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પણ તેમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ આ દરમિયાન પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત 72 લાખ પરિવારોને (3.5 કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાયો. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 8 લાખ 50 હજાર લોકોએ ભાગ લીધો હતો.

Post a Comment

0 Comments