ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની અધિકારીઓને ચિમકી, કહ્યું- 'કામ નહીં કરો તો 14મું રતન બતાવીશ'

છેલ્લા ઘણા સમયથી સતત વિવાદોમાં રહેતાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. પાદરા ખાતે આયોજિત 'ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના કાર્યક્રમમાં તેમની જીભ લપસી હતી.


પાદરા ખાતે આયોજિત 'ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના કાર્યક્રમમાં તેમની જીભ લપસી હતી. મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને 14મું રતન બતાવવાની ધમકી આપતા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની રૂપાણી સરકારના 5 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલી ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસને રાજ્યકક્ષાએ 'અન્નોત્સવ દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાના પાદરા તાલુકામાં પણ ગરીબ કલ્યાણ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે કહ્યું હતું, આટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.

મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

Post a Comment

0 Comments