CM રૂપાણી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો સાથે સંવાદ કરી પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો..


ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા છે. CM રૂપાણીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મળીને તેમની સ્થિતિ જાણી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.

CM રૂપાણીએ અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા.
1 હજાર કરોડની સહાયની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતની મુલાકાત લઇને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નીરિક્ષણ કર્યા બાદ 1000 કરોડની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જે કઇ મદદની જરૂર પડશે તે આપવામાં આવશે. જેમાં મકાનોના સમારકામથી લઇને નવા બનાવવા સહિતની બાબતનો સમાવેશ થાય છે.
મૃતકોના પરિવારજનોને કેન્દ્ર 2 લાખની સહાય 

વાવાઝોડાથી પીડિતો માટે કેન્દ્ર સરકારે 2 લાખસહાય જાહેર કરી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારે ઇજાગ્રસ્તોને પણ કુલ 50-50 હજાર  આપવાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં 3000 કરોડથી પણ વધુનું નુકસાન થયુ છે. 4 જિલ્લામાં જ 1100 કરોડનું નુકસાન થયુ છે.


Post a Comment

0 Comments