હિમંત બિસ્વા શર્મા બનશે આસામના નવા મુખ્યમંત્રી, વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય.

ગુવાહાટી/નવી દિલ્હી: અનેક દિવસોના મંથન બાદ હવે હિમંત બિસ્વા શર્મા (Himanta Biswa Sarma) માટે આસામના નવા મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તેમને આસામ ભાજપના વિધાયકદળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ અંગેની જાણકારી આપી છે. અગાઉ મુખ્યમંત્રી રહેલા સર્વાનંદ સોનોવાલે રવિવારે જ રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામું સોપી દીધુ હતું .

જણાવી દઈએ કે, દિલ્હીમાં યોજાયેલી આ બેઠક બાદ જ એવી અટકળો વહેતી હતી કે, આસામની કમાન હિમંત બિસ્વા શર્માના (Himanta Biswa Sarma) હાથમાં સોંપવામાં આવી શકે છે. જ્યારે સોનોવાલને ફરીથી દિલ્હી બોલાવવામાં આવી શકે છે.

આસામમાં છેલ્લા 6 દિવસોથી નવા મુખ્યમંત્રીને લઈને ભાજપના મોવડીમંડળમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. જેના સમાધાન માટે કેન્દ્રીય નેતૃત્વએ શનિવારે સર્વાનંદ સોનોવાલ અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હિમંત બિસ્વા શર્માને (Himanta Biswa Sarma) દિલ્હી બોલાવીને મેરાથોન બેઠક કરી હતી.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના આવાસ પર લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા જ સ્પષ્ટ બહુમત સાથે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને ભવ્ય જીત મેળવી હતી. રાજ્યની 126 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 75 સીટો પર વિજય મેળવ્યો હતો.



Post a Comment

0 Comments