સિંગાપુરનો કોરોના વેરિઅન્ટ ભારતમાં લાવી શકે છે ત્રીજી લહેર, બાળકો માટે ઘાતક: કેજરીવાલ..

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર ભલે મંદ પડી ગઈ હોય, પરંતુ જોખમ હજુ ટળ્યું નથી પરંતુ નવી મુસીબત સામે આવી છે. ત્રીજી લહેરની પહેલા જ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. હાલમાં જ નવી દિલ્હીમાં બે બાળકોના મોત થયા હતા. બાળકો પર કોરોના સંક્રમણના ખતરાને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને સિંગાપુરથી આવતી-જતી ફ્લાઈટોને બંધ કરવાની માંગ કરી છે.

CM કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, સિંગાપુરથી આવેલ કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ બાળકો માટે ઘાતક મનાય છે. ભારતમાં તે ત્રીજી લહેર તરીકે આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે, સિંગાપુર સાથે ફ્લાઈટ સર્વિસ તાત્કાલીક રદ્દ કરવામાં આવે અને બાળકો માટે પણ વૅક્સિનેશનના વિકલ્પો પર પ્રાથમિક્તાના ધોરણે વિચારણા થાય.
અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા પડશે. બાળકો માટે સારવારની સુવિધાઓ, વૅક્સિન માટે પ્રોટોકોલ અત્યારથી જ નક્કી કરવા જોઈએ. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા લખ્યું હતું કે, ભારતના ભવિષ્ય માટે વર્તમાનમાં મોદી સિસ્ટમને ઊંઘથી ઉઠાડવી જરૂરી છે.

જણાવી દઈએ કે, સિંગાપુરમાં મળી આવેલ કોરોનાનો નવો વેરિઅન્ટ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. રવિવારે સિંગાપુરમાં કોરોનાના 38 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 8 મહિનામાં અહીં કોરોનાનો આ સૌથી મોટો આંકડો છે અને જે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, તેમાં બાળકોની સંખ્યા વધુ છે.

Post a Comment

0 Comments