ગુજરાતમાં કોરોનાના નવા 6,447 કેસ, રિકવરી રેટ વધીને 86.20 ટકા પર પહોંચ્યો.

 
ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 6,447 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 67 દર્દીઓના મરણ નોંધાયા છે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 7,66,201 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધીમાં આ જીવલેણ વાઈરસ 9,269 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

જો આજે નોંધાયેલા નવા કેસની વિગતો જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 1,895 કેસ નોંધાયા છે. આ સિવાય સુરત જિલ્લામાં 466, રાજકોટમાં 290 અને વડોદરામાં 639 નવા કેસ સામે આવ્યાં છે.

જો કે રાહતની વાત એ રહી કે, છેલ્લા 24 કલાકમાં 9,557 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ સતત 14માં દિવસે નવા પોઝિટિવ કેસ કરતાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 6,60,489 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નવા કેસ કરતાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોમાં કમી આવી છે. હાલ ગુજરાતમાં 96,443 કોરોનાના એક્ટિવ કેસો છે. જેમાંથી 775 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 95,888 લોકોની હાલત સ્થિર જણાવાઈ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 86.20 ટકા પર પહોંચી ચૂક્યો છે.

Post a Comment

0 Comments