તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત રાજ્યના માછીમારો માટે 105 કરોડના રાહત પેકેજની જાહેરાત



રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુકસાનમાંથી તેમને પૂર્ન: બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી 105 કરોડ રૂપિયાના રાહત-સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

CM રૂપાણીએ કહ્યુ કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદરોને ઘમરોળીને કલાકના 220 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાથી દરિયો તોફાની થયો હતો, જેને પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સામાં મત્સ્ય બંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુકસાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો હતો.

તાજેતરમાં આ વિનાશક વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે. રાજ્ય સરકાર સાગરખેડૂ પરિવારોની આ વેદનામાં પૂરી સંવેદનાથી સહભાગી બનીને તેમને ફરી બેઠા કરવા, દરિયો ખેડી મત્સ્યપ્રવૃતિ દ્વારા આર્થિક આધાર મેળવતા કરવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેના પરિણામે આ રૂપિયા 105 કરોડનું સર્વગ્રાહી રાહત પેકેજ આપત્તિગ્રસ્ત માછીમાર પરિવારો માટે જાહેર કર્યું છે.

જેમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે.


મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર કરેલા રાહત-પેકેજની મહત્વની વાતો


 ~ બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

~ અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૩૫,૦૦૦ સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

~ જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

~ અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૨.૦૦ લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.

~ આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે

~ પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.

~ આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

~ ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે



~

Post a Comment

0 Comments